ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી બે અરજદારોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનનાસ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર, જીયો સ્ટુડિયો, CBFC, બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વગેરેને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરી છે. અરજદાર પૈકી એક ઉતર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે.
ફિલ્મનો ડાયલોગ બલોચ સમુદાય માટે અપમાનજનક અરજદારે સંજય દત્તના પાત્ર SP ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, “તમે મગર પર ભરોસો રાખી શકો, પરંતુ બલોચ પર નહીં.” અરજદારોએ ફિલ્મમાં બોલાયેલા અન્ય કેટલાક સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે તે બલોચ સમુદાયને અપમાનજનક અને તિરસ્કારભર્યા રૂપમાં રજૂ કરે છે.

ફિલ્મમાંથી સંજય દત્તનો ડાયલોગ હટાવવો અથવા મ્યૂટ કરવા માગ કરાઈ.
અરજીમાં કહેવામાં આવ્યું છે કોઈ સમુદાય સામે જાણી જોઈને અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો એ દ્વેષપ્રેરિત ભાષણ સમાન છે, જે સામાજિક અસમંજસતા ફેલાવે છે અને સમાનતા, ગૌરવ અને સન્માનના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
ફિલ્મમેકરો જાહેર માફી માગે અરજીમાં ફિલ્મમેકરો પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરવામાં આવી છે. સાથે જ માગ કરવામાં આવી છે કે, “ફિલ્મ ‘ધુરંધર’માંથી, તેમાંના ટ્રેલર્સ, પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટ સહિત, બલોચ સમુદાય સામેના તમામ બદનામક, અશ્લીલ અને અપમાનજનક સંદર્ભો દૂર કરવામાં આવે, ડિલીટ કરવામાં આવે અથવા સેન્સર કરવામાં આવે. વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકાય નહીં. આ અંગે 24 ડિસેમ્બરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે.

ફિલ્મમાં રણવીર સિંહનો રોલ સિક્રેટ એજન્ટનો છે, જેનું કોડનેમ ‘હમઝા’ છે.
ફિલ્મમાં શું બતાવ્યું છે? ફિલ્મની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે.
આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે.
પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે.
