જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો.
જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયો
છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે.
‘પ્રદિપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લીધો’
2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા એ દરિમાયન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જૂતુ ફેકવાના 8 વર્ષ બાદ આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો છે. છત્રપાલસિંહે પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લીધો હોવાનું જણાવ્યું છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને ભાજપના ગુંડાઓ દ્વારા AAP ધારાસભ્ય પર હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
બાઇક રેલી બાદ AAPની સભા યોજાઇ હતી
જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઇને શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ અને બેડી ગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી. જે બાદ ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા થતા મામલો બિચક્યો હતો.
