
અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વાઇરલ થયેલા ત્રણ વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંધુભવન રોડ ઉપર એક બાઈક પર બે યુવકો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે સિંધુભવન રોડ પરના બીજા વીડિયોમાં યુવતીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મારામારી થઈ હતી. જ્યારે ત્રીજા વીડિયોમાં એક એક્ટિવા પર યુવકે જોખમકારક રીતે યુવતીને બેસડાઈ વાહન ચલાવી રહ્યો હતો. ડીસીપી (પશ્ચિમ) ભાવના પટેલે જણાવ્યું હતું કે, આ ત્રણેય વાઈરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવી રહી છે.

સ્પોર્ટ્સ બાઈક ઉપર એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાઈરલ.
ચાલુ બાઈકે ઉભા થઈ યુવકનો જોખમી સ્ટંટ અમદાવાદના સિંધુભવન રોડ ઉપર જ્યાં રાતના સમયે યુવાઓની અવરજવર વધુ રહે છે, ત્યાં જ સ્પોર્ટ્સ બાઈક ઉપર એક યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે. બાઇક ઉપર બે યુવકો બેઠા હતા. જેમાંથી બાઈકચાલક ચાલુ ગાડીએ બાઈકની સીટ ઉપર ઉભો થઈ ખુલ્લા હાથે બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સિંધુભવન રોડની શરૂઆતનો જ છે. વીડિયોના આધારે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.

ચાર યુવતીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાઈરલ.
સિંધુભવન રોડ પર યુવતીઓની જાહેરમાં મારામારી સિંધુભવન રોડની શરૂઆતનો જ અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે. 31 ડિસેમ્બરને લઈ સિંધુભવન રોડ પર રોશની કરવામાં આવી છે. જેને લઈને અહીં મોટી સંખ્યામાં લોકો ફોટા પડાવવા આવતા હોય છે. ત્યારે સિંધુભવન રોડ પર જ ચાર યુવતીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવતીઓ ઝઘડી રહી હતી જેમાં એક યુવતીએ અન્ય યુવતીના વાળ પકડીને ખેંચી રહી હતી. આ દરમિયાન અન્ય બે-ત્રણ યુવતીઓ ત્યાં પહોંચે છે અને તે યુવતીને વાળ પકડીને માર મારે છે.

એક્ટિવા પર કપલના જોખમી ડ્રાઈવિંગનો વીડિયો વાઈરલ.
યુવતીને આગળ બેસાડી યુવકે જોખમી ડ્રાઈવિંગ કર્યું અમદાવાદના એસજી હાઈવે પરનો જ અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કપલ એક્ટિવા પર જઈ રહ્યું હતું. જેમાં યુવતીને આગળની તરફ પોતાની બાજુએ મોઢુ રખાવી યુવક જોખમી રીતે એક્ટિવા ચલાવી રહ્યો હતો. યુવકના આ જોખમી ડ્રાઈવિંગને કારણે અન્ય વાહનચાલકોને પણ જોખમ રહેલું છે. યુવકનો આ વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
