
અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ શ્યામ સિધાવતના પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યાની વળતી ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે. જોકે, હુમલાના ચાર દિવસ બાદ આ ક્રોસ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે.

આરોપી શ્યામ શિધાવત અને પવન પરમાર
સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં હુમલો કર્યો મૂળ અમદાવાદના અને મુંબઈમાં રહેતા હાર્દિલ પંડ્યા કેટલાય વર્ષથી સિંગર તરીકે મુંબઈમાં કામ કરે છે. તે અવારનવાર પરિવાર માટે અમદાવાદ અવર-જવર કરે છે. 29 ડિસેમ્બરે રાતના સમયે હાર્દિલ અને તેમના મિત્રો ચાલીને એસજી હાઇવે પર જઈ રહ્યા હતા. ત્યારે પેલેડિયમ મોલની સામે ગુજરાતી સિંગર શ્યામ સિધાવત, પવન પરમાર અને અન્ય ચાર શખ્સે મળીને હાર્દિલ પર હુમલો કર્યો હતો. કઈપણ કારણ વગર હાર્દિલને મોઢા અને શરીરના ભાગે માર માર્યો હતો, જેના કારણે હાર્દિલ બેભાન થઈ ગયો હતો. આ અંગે હાર્દિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
‘મારા મોઢામાં ટાંકા આવ્યા અને કાનના પડદા પણ ફાટી ગયા’ હાર્દિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ મેં મારા મિત્રને એક સોંગ આપ્યું હતું. જે સોંગમાં મિત્રએ મને ક્રેડિટ ના આપતા મેં લીગલ નોટિસ મોકલી હતી. જે બાદ અમારો ઇશ્યુ સોલ્વ થઈ ગયો હતો, પરંતુ આ બાબતે મને શ્યામ સિદાવત નામના સિંગરે ધમકી ભર્યા ફોન કર્યા હતા. જો કે, જે તે સમયે આ મામલો પૂરો થઈ ગયો હતો, પરંતુ 29 ડિસેમ્બરે હું મારા મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્યામ અને તેના સાથીઓએ મળીને મારા પર હુમલો કર્યો હતો. જેના કારણે મારા મોઢામાં ટાંકા આવ્યા છે અને મારા કાનના પડદા ફાટી ગયા છે. આ કારણથી હવે હું ત્રણથી ચાર મહિના સુધી મારું કામ નહીં કરી શકું. એટલું જ નહીં મારી ફરિયાદ પાછી ખેંચવા માટે મને શરૂઆતમાં દબાણ કરવામાં આવ્યું. હવે મારા ઉપર શ્યામના પત્નીએ ખોટી ફરિયાદ પણ કરી છે.
શ્યામના પત્નીએ સામે બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી હાર્દીલ પંડ્યા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સિંગર શ્યામના પત્નીએ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે. શ્યામના પત્ની ઊભા હતા ત્યારે હાર્દિલે પાછળથી ઉભા રહીને તેમને બીભત્સ શબ્દો કહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પણ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહત્વની વાત એ છે કે, મારામારીના બીજા દિવસે હાર્દિલની ફરિયાદ પોલીસે નોધી લીધી હતી, પરંતુ હાર્દિલે બીભત્સ શબ્દો કહ્યાની જે ફરિયાદ હતી તે ફરિયાદ ચાર દિવસ મોડા નોંધવામાં આવી છે. જેને લઇને વસ્ત્રાપુર પોલીસ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
